મંદિરના નીચેના માળે પ્રવેશતાં જ ભવ્ય ગુરુપરંપરાનાં દર્શન થાય છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં સર્વપ્રથમવાર ગુરુપરંપરાનાની માનવકદની આબેહૂબ મૂર્તિઓ અહીં બિરાજમાન કરવામાં આવેલી છે. ડાબી બાજુએ દેરીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રેરક અને પ્રવર્તક અનાદિ મહામુક્તરાજ શ્રી ભગતજી મહારાજ તથા શ્રી જાગાસ્વામી મહારાજનું દર્શન થાય છે. મધ્ય દેરીમાં અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રસ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજીમહારાજ અને બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજીમહારાજની મૂર્તિઓના દર્શન થાય છે જમણી તરફની દેરીમાં હરિધામ મંદિરના પ્રણેતા અને પ્રાણાધાર પુરૂષ પ્રગટ ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિનાં દર્શન થાય છે. જેઓ આ મૂર્તિ દ્વારે પણ હરિધામમાં અખંડ બિરાજમાન છે.
જ્ઞાનયજ્ઞ હોલમાં ગુણાતીત પુરુષોના પ્રેરક પ્રસંગો પણ દૃશ્યમાન થાય છે જેમાં તેઓની અહંશૂન્યતા અને દિવ્ય પ્રતિભાની ઝાંખી થાય છે.
કાષ્ટ કોતરણી ઊંચા કાષ્ટના ‘ગજ દ્વાર’થી જ્ઞાનયજ્ઞ મંડપમાં પ્રવેશતાં જ કલાત્મક કાષ્ટની કોતરણી ભવ્યતામાં ગરકાવ કરી દે છે. ૧૦,૦૦૦ ઘન ફૂટ સાગના લાકડાના ઉપયોગ દ્વારા ભગવાન શ્રી સ્વામીનારાયણના સમયના સંગીત મંડળના પરમહંસો, વિધવિધ દેવી-દેવતાઓ, પશુપંખીઓ તથા સામૂહિક શાસ્ત્ર અને અન્ય ચિહ્નો વગેરે કાષ્ટ કોતરણીથી સમગ્ર જ્ઞાનયજ્ઞ મંડપ દર્શનીય બને છે.
મંદિરના બાંધકામના મુખ્ય આધાર સમાન સ્વસ્તિક સ્તંભને કોતરણીથી શણગારવામાં આવ્યું છે.