History

History History History History History

ભગવાન સ્વામિનારાયણના આદર્શ સંતવર્ય સદ્. શ્રી ગોપાળાનંદસ્વામી થકી સોખડા ગામના પ.ભ. ગોપાળભાઈ કાશીભાઈ પટેલ સત્સંગી થયા ને તેમના જ્યેષ્ઠ પુત્ર પ.ભ. ત્રિભોવનદાસભાઈ પણ બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજના નિષ્ઠાવાન સત્સંગી હતા. સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજે સોખડા ગામમાં શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો પણ સંજોગવશાત્ એ સાકાર ન થતા, ત્રિભોવનદાસભાઈએ ગામની અંદર એક નાનું હરિમંદિર કરવા માટેની જગ્યા શાસ્ત્રીજીમહારાજને આપી હતી. બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજીમહારાજે અપરંપાર ભીડો વેઠી એ જગ્યા પર જાતમહેનતે એક સુંદર હરિમંદિર બાંધ્યું જેમાં શ્રી પટ્ટની મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૧૯૮૭ના ફાગણ સુદ છઠ ને સોમવાર તા. ૨૩-૨-૧૯૩૧ના શુભદિને કરવામાં આવી હતી. પ્રગટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી ને ૩૮ સંતો ઈ.સ. ૧૯૬૬ થી ઈ.સ. ૧૯૮૧ સુધી આ મંદિરમાં નિવાસ કરીને રહ્યા.

એકવખત ઈ.સ. ૧૯૬૨માં યોગીજીમહારાજ ગઢડામાં ઘેલાનદીના તટમાં ભક્તો સાથે બિરાજમાન હતા. તે વખતે સોખડાના ભક્તરાજ અંબાલાલભાઈ કિશોરભાઈ પટેલે ગઢડાના શિખરબદ્ધ મંદિર તરફ પોતાનો હાથ બતાવીને; યોગીબાપાને સોખડામાં પણ એવા જ ભવ્ય મંદિરના સર્જન માટે પ્રાથર્ના કરી. ત્યારે બાપાએ દસ મિનિટ ધૂન કરાવીને દૂર ઊભેલા પોતાના અંગત સેક્રેટરી તથા પ્રાણસમા પ્રભુદાસભાઈ (પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી)ને પોતાની નજીક બોલાવી ત્રણ ધબ્બા મારીને અંતર્યામીપણે કહેલું, ‘જાઓ....સોખડામાં ત્રણ શિખરનું મંદિર થશે.’ મંદિરનિર્માણ અંગેનો મનોરથ તો અંબાલાલભાઈનો હતો, જ્યારે તે અંગેના આશીર્વાદ યોગીબાપાએ આપ્યા પ્રભુદાસભાઈને! યોગીબાપાની આ લીલાની શું કલ્પના કરીશું!

જાણે એ સંકલ્પને મૂર્તિમાન કરવાના પ્રથમચરણરૂપે ઈ.સ. ૧૯૭૫માં પ.ભ. ત્રિભોવનદાસના વારસપુત્રોએ સોખડા ગામની બહાર ‘મકરા તલાવડી’ નામે ઓળખાતી જમીન પ.પૂ. સ્વામીશ્રીને મંદિર બનાવવા અર્પણ કરી. ઈ.સ. ૧૯૭૮ની ત્રીજી ફેબ્રુઆરીના મંગલદિને પ્રગટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી, ભગવત્સ્વરૂપ પ.પૂ. કાકાજી, ભગવત્સ્વરૂપ પ.પૂ. પપ્પાજી, ભગવત્સ્વરૂપ પ.પૂ. અક્ષરવિહારીસ્વામીજી ને ભગવત્સ્વરૂપ પ.પૂ. જશભાઈ સાહેબની ઉપસ્થિતિમાં મંદિરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું અને એના નિર્માણકાર્યનો પ્રારંભ થયો. ઈ.સ. ૧૯૮૧માં ‘ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ’ પ્રસંગે રામનવમીને તા. ૧૨મી એપ્રિલના શુભદિને વેદોક્ત વિધિપૂર્વક શ્રી અક્ષરપુરુષોત્તમમહારાજ, શ્રી ઘનશ્યામમહારાજ, શ્રી હનુમાનજી ને શ્રી ગણપતિજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી અક્ષરપુરુષોત્તમ યુગલ ઉપાસનાના સ્થાપન અને પ્રવર્તનના ઐતિહાસિક અને ક્રાંતિકારી યુગકાર્ય માટે સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજ ને સ્વામીશ્રી યોગીજીમહારાજે, વર્ષો સુધી કલ્પનાતીત ને ભગીરથ પરિશ્રમ વેઠી યુગલ ઉપાસનાની અદ્‌ભુત પ્રણાલિકા સ્થાપી દીધી. તેનું યત્કિંચિત્ ઋણ અદા કરવા ને પ્રભુભક્તિ સાથે એવા જ ગૌરવપૂર્વક ગુરુભક્તિનું અર્ઘ્ય અર્પણ કરવાની અનોખી ઝંખના સેવી, પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ એક વિશિષ્ટ આયોજનનું નિર્માણ કર્યું, મંદિરના ઉપલા મજલે પ્રતિષ્ઠિત શ્રીઠાકોરજીની મૂર્તિઓની જેમજ નીચલા મજલે ગુણાતીત ગુરુવર્યોની મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા ત્યાં પણ પૂજા-આરતી-થાળ વગેરે ભક્તિમાર્ગના સમાન ક્રિયાયોગોની સાથોસાથ, સ્વામિસેવકભાવના સિદ્ધાંતને અનુરૂપ જ એવું આ અલૌકિક આયોજન-શ્રી અક્ષરપુરુષોત્તમ સંપ્રદાયમાં પણ પ્રથમ જ આયોજન હતું. ઈ.સ. ૧૯૮૬માં અ.મૂ.અ.મૂ. સદ્. ગુણાતીતાનંદસ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના અવસરે શ્રી રાધાકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી તથા મંદિરના શિખરો પર સુવર્ણના કળશ અને ધજાદંડ પધરાવવામાં આવ્યા. ઈ.સ. ૨૦૦૩ના ૩૦મી નવેમ્બરના શુભદિને અત્યંત કલાત્મક ને શોભાયમાન એવા જ્ઞાનયજ્ઞભવનમાં, પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુભક્તિ મહોત્સવના મંગલ અવસરે કાષ્ઠની બેનમૂન કોતરણીયુક્ત સુંદર દેરીઓમાં અ.મ.મુ. ભગતજીમહારાજ, અ.મ.મુ. જાગાસ્વામીજી તથા સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજ ને સ્વામીશ્રી યોગીજીમહારાજની નૂતન ને રમણીય મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરીને, શાશ્ર્વત સમયમર્યાદા માટે ગુણાતીત ગુરુવર્યોનું હૂબહૂ દર્શન ઉપલબ્ધ કરાવ્યું.

આમ ગુણાતીતપુરુષોના સંકલ્પે સર્જન પામેલા આ ભવ્ય મંદિરની રજેરજમાં ઊંડા પાયાથી માંડી ઉત્તંગ શિખરો સુધીની સર્જનકળામાં જાણેકે ગુરુહરિ સ્વામીશ્રીના પરિશ્રમના શોણિતબિંદુઓની તેમજ સંતો, યુવાનો, દેશ-વિદેશના ગૃહસ્થો તથા બહેનોના સેવા-સમપણર્ના પ્રસ્વેદબિંદુઓની એક અનોખી ગાથા સમાયેલી છે!

આજે દૃશ્યમાન થઈ રહેલું હરિધામનું આ ભવ્ય મંદિર સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજ અને યોગીજીમહારાજના સત્યસંકલ્પની તથા યોગીબાપાએ સ્વામીશ્રીને ગઢડામાં ઘેલાતટે આપેલા ઉપરોક્ત આશીર્વાદની જ્વલંત સાક્ષી પૂરે છે. એ પારદર્શક પુરુષ કેવા અદ્‌ભુત હશે! તેઓની દિવ્ય દૃષ્ટિનું દર્શન કેવું અલૌકિક હશે! વિવિધ કલાથી મંડિત આ મંદિરના નિર્માણમાં સફેદ મારબલ અને દક્ષિણ ભારતના ગ્રેનાઈટ પથ્થરનો તેમજ ત્યાંના પ્રસિદ્ધ એવા સાગ-સીસમના કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મૂર્તિપ્રતિષ્ઠા બાદ પણ મંદિરનું કામ વર્ષો સુધી ચાલતું રહ્યું. એ દરમ્યાન ગુરુહરિ સ્વામીશ્રીએ યોગીજીમહારાજનું સૂત્ર ‘યુવકો મારું હૃદય છે.’ એ સૂત્રને અનુરૂપ ‘યુવકો મારું સર્વસ્વ છે’ એ સૂત્ર અપનાવ્યું અને યુવાસમાજના સર્વાંગી ઉત્થાન માટે તથા એકાંતિક ભક્તોના સમાજના સર્જન માટે દેહ તરફ જોયા વિના તેઓશ્રી દિનરાત સતત વિચરણ કરતા રહ્યા. યોગીબાપાના ‘સંપ, સુહૃદભાવ ને એકતા’ના જીવનમંત્રને હરિધામપરિવારમાં તેમજ દેશ-વિદેશના બહુજનસમાજમાં દૃઢ કરાવવા માટે તેઓશ્રીએ અસીમ સાધુતા, અસ્ખલિત સરળતા, વિનમ્રતા, આત્મીયતા ને સર્વદેશીયતાને મૂર્તિમંતરૂપે સાકાર કરી, એક નૂતન આત્મીયસમાજના સર્જનકાજે અપૂર્વ જહેમત ઉઠાવી છે; સ્વામીશ્રીના આવા અપ્રતીમ દાખડાના ફળસ્વરૂપે હજારોની સંખ્યામાં નિર્વ્યસની, ધાર્મિક અને પવિત્ર જીવન જીવતા ચૈતન્યમંદિરસમ યુવાનો તૈયાર થયા છે અને સંસારમાં રહેવા છતાં પ્રભુમય જીવન જીવતા મંદિરસમ હજારો પરિવારોનું સર્જન થયું છે, આ પણ સ્વામીશ્રીનું એક આગવું યુગકાર્ય ને અનોખું પ્રદાન છે, જેને નિહાળીને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહિ પરંતુ સમગ્ર ભારતવર્ષના તમામ મૂર્ધન્ય સંતો-મહંતો, પ.પૂ. સ્વામીશ્રીને; ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરસમા સંતવર્યરૂપે તથા આત્મીયતા ને સુહૃદભાવના મૂર્તિમાન પ્રતીકસ્વરૂપે બિરદાવે છે.

તો આવો, પધારો ! અહીં આપનું હાર્દિક સ્વાગત છે ! ‘હરિ’ના આ ‘ધામ’ની રજેરજમાં સમાએલી પ્રભુતા, દિવ્યતા, આત્મીયતા ને સુહૃદભાવની સૌરભને આપણે સહુ માણીએ ને ધન્ય થઈએ!

વિશ્ર્વસકલના કોટિજનોની આસ્થાનું આ પાવન ધામ ! આધિ, વ્યાધિ, ઉપાધિ ટાળી આપે સુખ, શાંતિ, વિશ્રામ !!